ભુવનેશ્વર, નવી દિલ્હી,13 ઓક્ટોબર (હિ.સ.)
ઓડિશા રાજ્ય મહિલા આયોગની ત્રણ સભ્યોની ટીમ, અધ્યક્ષ શોભના મોહંતીના નેતૃત્વમાં, પશ્ચિમ બંગાળના
દુર્ગાપુર માટે રવાના થઈ છે. આ ટીમ બલેશ્વર જિલ્લામાં ઓડિયા એમબીબીએસ વિદ્યાર્થી
પર થયેલા સામૂહિક દુષ્કર્મની તપાસની પ્રગતિ અને પીડિતાને આપવામાં આવતી સારવારનું
મૂલ્યાંકન કરશે.
જલેશ્વરની રહેવાસી પીડિતા બીજા વર્ષની મેડિકલની
વિદ્યાર્થીની છે. આ ઘટના ગયા શુક્રવારે પશ્ચિમ બર્દવાન જિલ્લાની એક ખાનગી કોલેજ
પાસે બની હતી. શોભના મોહંતીએ જણાવ્યું હતું કે,” ટીમનો પ્રાથમિક ઉદ્દેશ્ય પીડિતાને
યોગ્ય તબીબી સંભાળ અને માનસિક સહાય મળે, તે સુનિશ્ચિત કરવાનો છે.” તેમણે કહ્યું, અમે સૌપ્રથમ
દુર્ગાપુર હોસ્પિટલની મુલાકાત લઈશું. જ્યાં પીડિતાની સારવાર ચાલી રહી છે. જેથી
તેની સ્થિતિની સમીક્ષા કરી શકાય અને ખાતરી કરી શકાય કે પશ્ચિમ બંગાળ સરકાર તેને
પ્રાથમિકતાવાળી આરોગ્યસંભાળ પૂરી પાડી રહી છે, જેમ કે ઓડિશા સરકાર આવા કિસ્સાઓમાં કરે છે.
મહિલા આયોગની ટીમ દુર્ગાપુર પોલીસ અને સ્થાનિક વહીવટી
અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. મોહંતીએ જણાવ્યું હતું કે,” તેઓ પોલીસ અને જિલ્લા
વહીવટીતંત્ર સાથે મુલાકાત કરીને, તપાસની પ્રગતિની સમીક્ષા કરશે અને જોશે કે કેસને
ઝડપથી કોર્ટમાં રજૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, કે નહીં.”
તેમણે ઉમેર્યું હતું કે,” ઓડિશા મહિલા આયોગ ન્યાય
પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પશ્ચિમ બંગાળના અધિકારીઓ સાથે સંકલન કરશે. તેઓ
ડિરેક્ટર જનરલ સાથે પણ વાત કરશે અને ખાતરી કરશે કે, પીડિતાના સંપૂર્ણ સ્વસ્થતા અને
પુનર્વસન માટે નક્કર પગલાં લેવામાં આવે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ