સુરત, 14 ઓક્ટોબર (હિ.સ.)-શહેરમાં ચોટા બજાર પાસે હાલમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ખરીદી માટે ઉમટી પડે છે ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરો પણ પોતાનો હાથ ફેરો કરતા હોય છે. ગતરોજ ગ્રીન સિટી ખાતે રહેતી મહિલા ચૌટા બજારમાં તેના ભાભી સાથે ખરીદી કરવા માટે ગઈ હતી. આ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલી થેલીમાંથી રોકડા રૂપિયા 8000 તથા રૂપિયા 20,000 ની સોનાની ચેઈન મળી કુલ રૂપિયા 28,000 ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર પરણીતાએ અઠવા લાયન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ગ્રીનસીટી વિસ્તારમાં ડાયમંડ બુર્સ પાસે ખજોદ ગામમાં નવા મહોલ્લામાં રહેતા 46 વર્ષીય રમીલાબેન ભરતભાઈ પટેલ ગતરોજ તેના ભાભી સાથે બપોરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં ચૌટા બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. તેઓ મોટા મંદિર પાસે આવેલ જ્યુસની લારીએ શેરડીનો રસ પીવા માટે ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી ભીડનો લાભ ઉઠાવી થેલીમાંથી રોકડા રૂપિયા 8000 અને રૂપિયા 20,000ની બે તોલની સોનાની ચેઈન મળી કુલ રૂપિયા 28,000 ની ચોરી કરી બંને તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર રમીલાબેન એ આ મામલે અઠવાલન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે