મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરના નુગર બાયપાસ પાસે આવેલા સ્ટે પ્લસ ગેસ્ટહાઉસની પાછળ પાર્ક કરેલી કારમાંથી પોલીસે વિદેશી દારૂ અને બીયરની કુલ 750 બોટલોનો જથ્થો કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીને સ્થળ પરથી જ ઝડપાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. 6.53 લાખ જેટલી છે.
તાલુકા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, વડોસણ ગામનો રહેવાસી અનિલ બિજલજી ઠાકોર ગેસ્ટહાઉસની પાછળની ખાલી જગ્યામાં દારૂ ભરેલી કાર પાર્ક કરીને હેરાફેરી કરી રહ્યો છે. પોલીસ ટીમે તરત જ પંચોની હાજરીમાં સ્થળ પર રેડ કરી હતી. તપાસ દરમ્યાન કારની ડ્રાઈવર સીટ પર બેસેલો અનિલ ઠાકોર ઝડપાઈ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના વોન્ટેડ આરોપી દ્વારા રાત્રે સુમારે પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે, તેમજ હેરાફેરીના આ જથ્થા પાછળના નેટવર્કની શોધખોળ હાથ ધરી છે. ઘટનાએ મહેસાણા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વ્યવહાર અંગે ચિંતા ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR