મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં એક અનોખી ઘટના બની હતી, જ્યાં 8 ફૂટ લાંબો અજગર બોરના પાણીના કૂવામાં પડી ગયો હતો. ગામના અરવિંદભાઈ મણિલાલ પટેલના ખેતરમાં બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં હલચલ મચી ગઈ હતી. કૂવામાં અજગર હોવાની જાણ થતા અરવિંદભાઈએ તરત જ જીવદયા પ્રેમી દિવ્યાબેન ચાનપરા અને અક્ષરભાઈનો સંપર્ક કર્યો.
દિવ્યાબેન ચાનપરા અને અક્ષરભાઈ પ્રકૃતિપ્રેમી હોવાની સાથે સર્પો અને અજગર પકડવામાં નિષ્ણાત છે. તેઓ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કૂવો ઊંડો અને સંકુચિત હોવા છતાં, બંને જીવદયા સેવકોએ ભારે જહેમત બાદ અજગરને સહી-સલામત રીતે બહાર કાઢ્યો હતો.
અજગરને બચાવ્યા બાદ તેને વન વિભાગની મંજૂરીથી સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. સમગ્ર રેસ્ક્યુ કામગીરીને જોઈ ગ્રામજનો પ્રશંસાથી ભરાઈ ગયા હતા. જીવદયા સંસ્થાના સભ્યોના પ્રયાસોથી એક નિર્દોષ પ્રાણીનું જીવન બચાવવામાં સફળતા મળી હતી, જે માનવતા અને પ્રકૃતિ પ્રત્યેના સમર્પણનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR