પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણીના અનુસંધાને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાની સાથે નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદર તથા ધ પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે “ઉદ્યોગ સાહસિકતા દિવસ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપ દરમ્યાન ઉદ્યોગ સાહસિકતા આજની જરૂરીયાત, MSME સહાય યોજનાઓ, નાણાકીય સહાય અને બજાર તકો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલા તથા યુવા ઉદ્યોગ સાહસિકો માટે અલગથી માર્ગદર્શક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓને વ્યવસાયિક ક્ષેત્રે નવી દિશા મળી શકે.
ધ પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદરના પ્રમુખ ટી.કે. કારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજનાઓ મારફતે નાણાકીય તેમજ ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે પોરબંદરના વિખ્યાત ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મહેતાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે પરિસ્થિતિ કેટલીય કઠિન કેમ ન હોય, મક્કમ મનોબળ અને યોગ્ય માર્ગદર્શનથી સફળતા હાંસલ કરી શકાય છે.
GIDC ધરમપુરના પ્રમુખ લખન મોઢવાડિયાએ ઉદ્યોગ સાહસિકોને પ્રેરણાદાયી શબ્દોમાં સંબોધતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આ પ્રકારના માહિતીલક્ષી અને માર્ગદર્શક કાર્યક્રમો નિયમિતપણે યોજાશે જેથી પોરબંદર જિલ્લાના યુવાનોને આત્મનિર્ભરતા તરફ દોરવામાં આવે.
આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ પબ્લિક સ્પીકર ઋષિકા હાથી દ્વારા ઉદ્યોગ સાહસિકતાની સમગ્ર પ્રક્રિયા — વિચારથી લઈને અમલીકરણ સુધી — ની સરળ જીવંત ઉદાહરણો સાથે સમજૂતી આપવામાં આવી હતી.
વનરાજ શીલુ દ્વારા વિવિધ ઉધોગસાહસિક યોજનાઓ અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જીગ્નેશ ચૌહાણ દ્વારા સેન્ટર ફોર એન્ટરપ્યોર ડેવલપમેન્ટ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ સાહસિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ પણ કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક સફળ ઉદ્યોગ સાહસિકોની સાફલ્ય ગાથા પણ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ અધિકારી વંદના પટેલ સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગર પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમમાં અનેક નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ તથા યુવા પ્રતિભાઓએ ભાગ લીધો હતો અને વર્કશોપમાંથી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya