મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) ઊંઝા શહેરમાં આર.કે. ફાઉન્ડેશન અને રોટરી પરિવાર ઊંઝાના સંયુક્ત ઉપક્રમે યુ.એન. મહેતા કેન્સર હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ પટેલ સવિતાબેન પ્રભુરામદાસ પેપરીયાના સ્મરણાર્થે આયોજિત આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો, સામાજિક કાર્યકરો તેમજ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 86 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેને યુ.એન. મહેતા કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર બ્લડબેંક, અમદાવાદ ખાતે જમા કરાવવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન નિષ્ણાત ડોક્ટર અને મેડિકલ સ્ટાફની ટીમે રક્તદાતાઓની તપાસ કરી, તેમજ સ્વચ્છતા અને સલામતીના તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કર્યું હતું.
આયોજકોના જણાવ્યા મુજબ, રક્તદાન દ્વારા અનેક જીવ બચાવી શકાય છે અને આવી પ્રવૃત્તિઓ માનવ સેવા માટે પ્રેરણારૂપ બને છે. કાર્યક્રમના અંતે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને આભારપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક સમાજજનોએ આવા માનવતાભર્યા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR