જામનગરના વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ કરવાના પ્રયત્નને નિષ્ફળ બનાવતી સાયબર ક્રાઈમ ટીમ
જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના એક વૃદ્ધને વિવિધ એજન્સીના નામે કોલ કરી કેટલાક શખ્સો ડિજીટલ એરેસ્ટ કરવાના પ્રયાસો કરતા હોવાની આ વૃદ્ધના પુત્રીએ સાયબર ક્રાઈમ પોલીસને હેલ્પલાઈનના માધ્યમથી જાણ કરી હતી. તાત્કાલિક હરકતમાં આવેલી જામનગરની ટીમે આ વૃદ્
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ


જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના એક વૃદ્ધને વિવિધ એજન્સીના નામે કોલ કરી કેટલાક શખ્સો ડિજીટલ એરેસ્ટ કરવાના પ્રયાસો કરતા હોવાની આ વૃદ્ધના પુત્રીએ સાયબર ક્રાઈમ પોલીસને હેલ્પલાઈનના માધ્યમથી જાણ કરી હતી. તાત્કાલિક હરકતમાં આવેલી જામનગરની ટીમે આ વૃદ્ધને તેમાંથી બચાવી લઈ તપાસ આગળ ધપાવી છે.

જામનગરના એક વયોવૃદ્ધ નાગરિકને કોઈ શખ્સો વિવિધ એજન્સીના નામે મોબાઈલ પર વીડિયો કોલ કરી તેઓને ડિજીટલ એરેસ્ટ કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેવી જાણકારી ૭૧ વર્ષના આ વૃદ્ધના પુત્રીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની હેલ્પલાઈન-૧૯૩૦ પર કોલ કરીને આપી હતી.

તેના પગલે હરકતમાં આવેલી જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સ્ટાફના હે.કો. દર્શિત સીસોદીયા, રાજેશ પરમાર દ્વારા નગરના આ વૃદ્ધનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ આ વૃદ્ધે પોતાની મરણમૂડી સમાન ફીક્સ ડિપોઝીટ તોડાવી તેની રકમ બેંક ખાતામાં જમા રાખ્યાની અને તે રકમ સોમવારે આ શખ્સોના કહેવાથી જમા કરાવવાની હોવાનું જણાવ્યું હતું.

આ રકમ જમા નહીં કરાવવા સાયબર ક્રાઈમ પોલીસે સૂચના આપ્યા પછી આ વૃદ્ધના મોબાઈલ તથા બેંક ખાતાની તપાસ કરાવી તેઓને ગેરકાયદેસર રીતે કરાતા ડિજીટલ એરેસ્ટમાંથી બચાવ્યા છે. આ બાબતની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande