જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.એચ.એમ.ભૂવાએ સસ્ટેનેબલ ફાર્મિંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના ૧૩ લાભાર્થીઓને રૂ.૧૯ લાખથી વધુ રકમની સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ૧૬ જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે,આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશના વિકાસમાં ખેતી અને ખેતી કરનારા ધરતીપુત્રોનો ખૂબજ મહત્વનો ફાળો રહેલો છે. ગુજરાત રાજ્યના ખેડૂતોએ કૃષિ, બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી, પોતાની આગવી સુઝબુઝના સમન્વય થકી ઉત્તમ ખેતી કરીને સમગ્ર દેશમાં ગુજરાતને આગવું સ્થાન અપાવ્યું છે.
રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા સૌ પ્રથમ વર્ષ ૨૦૦૫-૦૬ માં કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોને તમામ પ્રકારના લાભો મળે અને તેમની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતો માટે તાલીમોનું પણ આયોજન કરવામાં આવે છે.
ખેડૂતોને મળતી વિવિધ સહાય સીધી તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજ્યકક્ષાના કૃષિ વિકાસ દીવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt