- 808 લાખના ખર્ચે નલ સે જલ યોજનાનું લોકાર્પણ કરાતાં જસદણના લોકોને ઘરે બેઠા પાણી મળી રહેશે
- છેવાડાના ઘર અને માનવી સુધી તમામ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે.: મંત્રી કુંવરજી બાવળીયા
રાજકોટ,14 ઓકટોબર (હિ.સ.) ‘‘વિકાસ સપ્તાહ’’ અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા જસદણના પોલારપર વિસ્તારમાં “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” તથા 808 લાખના ખર્ચે “નલ સે જલ” યોજનાનું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતાં મંત્રીએ કહ્યું હતું કે, ‘‘વિકાસ સપ્તાહ’’ અંતર્ગત રાજ્યભરમાં વિકાસ કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતનાં સ્વપ્નને રાજ્યમાં સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વિકાસ કામો થઈ રહ્યાં છે. છેવાડાના ઘર અને માનવી સુધી તમામ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જસદણ-વિંછીયા વિસ્તારને સમૃદ્ધ અને વિકસિત બનાવવા જન કલ્યાણકારી યોજનાઓ, વિકાસનાં કામો સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવી રહી છે. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ સહિત સુવિધાઓ મળતા લોકોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. જસદણના મોટા ભાગના વિસ્તારોમાં આર.સી.સી.રોડ, ઘરનું ઘર, પાણી, લાઇટ, ગટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં રાજ્યસરકાર અગ્રેસર છે. નજીકના ભવિષ્યમાં જસદણ નજીક જી.આઇ.ડી.સી. તથા ઓડિટોરિયમ મંજૂર કરવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ