સુરત , 14 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી અને છઠ પૂજાના તહેવારોને પગલે સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર ઉત્તર ભારત જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે સ્ટેશન પર લાંબી કતારોમાં ઊભા રહી રહ્યા છે.
આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોને રાહત આપવા માટે વિશેષ પગલાં લીધા છે. 14થી 29 ઓક્ટોબર વચ્ચે ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત ‘પૂજા સ્પેશિયલ ટ્રેનો’ દોડાવવામાં આવશે. આ ટ્રેનો ઉત્તરપ્રદેશ અને બિહારના વિવિધ શહેરો સુધી દોડશે, જેથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરી મળી શકે.ભીડ નિયંત્રણ માટે રેલવે તંત્રએ વધારાની વ્યવસ્થા પણ કરી છે. પ્લેટફોર્મ ટિકિટ વેચાણ પર પ્રતિબંધ બાદ હવે 15થી 31 ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ સેવાઓ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે.
તંત્ર દ્વારા પોલીસ અને આરપીએફની વધારાની તૈનાતી સાથે સ્ટેશન પર ભીડ નિયંત્રણ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે