જુનાગઢ ,14 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર 7 ઓક્ટોબર 2001 ના રોજ સંભાળ્યો હતો. તેઓએ સરકારી યોજનાઓનો લાભ જન જન સુધી મળે તે માટે અનેક નવી યોજનાઓ અમલમાં મૂકી. કૃષિ શિક્ષણ અને ગરીબ કલ્યાણ માટે ઉપરાંત ગામડાઓમાં પૂરતી વીજળી મળે તે માટે સૌને સાથે રાખીને જન સેવાનું અભિયાન ઉપાડ્યું અને તેનો લાભ જૂનાગઢ જિલ્લાને પણ મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સર્વાંગી વિકાસનો વ્યાપ વધ્યો છે. વિકાસ સપ્તાહમાં લોકોને યોજનાઓની જાણકારીની સાથે સરકારી યોજનાઓના લાભો પણ મળે તે ઉદ્દેશ રહેલો છે અને તેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાર્થક કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી માળીયા તાલુકાના ખોરાસા ગામ થી કરવામાં આવી હતી. વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ઘર આંગણે મેળવી છે. એટલું જ નહીં પદાધિકારીઓ- અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ, વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ યોજવામાં આવી રહ્યા છે. વિકાસ સપ્તાહ ની ઉજવણીમાં જૂનાગઢ જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. આવતીકાલ 15 ઓક્ટોબર ના રોજ વિકાસ સપ્તાહનું સમાપન થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અનેક પ્રોજેક્ટ સાકાર થયા છે. એ સમયે કૃષિ મહોત્સવનો પ્રારંભ 2005 માં જૂનાગઢ થી થયો હતો.જૂનાગઢ જિલ્લો કૃષિક્ષેત્રે અગત્યનો ફાળો ધરાવે છે.જૂનાગઢ જિલ્લો મુખ્યત્વે મગફળી, સોયાબીન અને તેલેબિયા પાકો માટે જાણીતો છે. રાજ્ય સરકારની યોજનાઓથી ખેડૂતોને મળતી સહાયમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે ટેકાના ભાવે ખરીદી, જમીન અને પાણી પરીક્ષણ લેબોરેટરીઓ, નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી, સિંચાઈ વ્યવસ્થા, બીજ થી લઈને બજાર સુધીની સગવડ સરકાર આપે છે. રાજ્ય સરકારની વિવિધ કૃષિ વિભાગની યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ પણ કાર્યરત છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી અને મગફળી સંશોધન કેન્દ્ર પણ સમયાંતરે ખેડૂતોને કૃષિ અંગે જરૂરી માર્ગદર્શન આપે છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના આહવાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ છે.ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને ખૂબ વેગ મળ્યો છે.જિલ્લાના ૧૬૭૮૬ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ ખેડૂતો કુલ ૧૩૫૫૮ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ધરતી પૂત્રો સમૃધ્ધિ તરફ જવાની સાથે લોકો ના આરોગ્યની પણ સેવા કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન મહત્વનું છે.જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક વિરાસત, ધાર્મિક અને પ્રકૃતિનો વારસો ધરાવે છે.પ્રવાસનના સ્તંભ સમાન ગીરનાર પર્વત, ગીર નેશનલ પાર્ક, ઉપરકોટ,મ્યુઝીયમ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,ગિરનાર નેચર સફારી, અશોક શીલાલેખ જેવા અને અન્ય સ્થળો જૂનાગઢ જિલ્લાની ઓળખને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા માટે અનેક પગલાં લીધાં છે. આમાં ગિરનાર પર્વત રોપ - વે, ઉપરકોટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય વારસા સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. જે રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર તૈયાર થયેલ છે. આજે રોપ-વેની સુવિધા મળતા સરળતાથી દર્શન કરી શકે છે. એટલું જ નહીં ગિરનાર પ્રવાસનનો પણ વિકાસ થઇ રહ્યો છે. સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી છે.અત્યાર સુધીમાં ૩૭ લાખ જેટલા પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે. પ્રતિ વર્ષ વિશ્વના ૪૦ જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં નાગરીકોનાં આરોગ્ય સુખાકારીની દરકાર લઈને “આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના” દેશભરમાં અમલી બનાવી છે. આયુષ્માન ભારત અંતર્ગત દેશવાસીઓને આરોગ્ય કવચ પૂરું પાડતી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)” એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ ૧૦ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે. જૂનાગઢ જિલ્લામા કુલ 1012775 આયુષ્માન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ