મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાયેલી પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ભવ્ય સફળ રહી હતી. ઉત્તર ગુજરાતના વિકાસ અને રોકાણના નવા દ્વાર ખોલતાં આ કોન્ફરન્સ દરમિયાન કુલ 1200થી વધુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું.
આ કોન્ફરન્સમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવનિર્મિત ઉર્જા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રો સાથે સંબંધિત અનેક કંપનીઓએ ભાગ લીધો હતો. રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ મહેસાણા તેમજ આસપાસના જિલ્લાઓમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગિક વિકાસ માટે પૂરતું ઇકોસિસ્ટમ ઉપલબ્ધ છે અને વાઈબ્રન્ટ ગુજરાતનું આ રિજનલ મોડેલ ગ્રામ્ય સ્તર સુધી ઉદ્યોગ વિકાસ પહોંચાડશે. જિલ્લાકલેક્ટર, ઉદ્યોગ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કોન્ફરન્સના અંતે ‘મેક ઈન નોર્થ ગુજરાત’ના સંદેશા સાથે, રોકાણકારોને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR