પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં 24 વર્ષના વિકાસપ્રયાસોની ગાથા શોર્ટ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ અવસરે ઓડદર ગામ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસર પર ઓડદર ગામમાં પહોંચેલા વિકાસ રથનું ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ મારફતે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ વિવિધ લોક કલ્યાણકારી
યોજનાઓની માહિતી આપી હતી.
મહાનુભાવોના હસ્તે એરડા, ટુકડા ગોસા, ગોસા, રાજપર, કેશોદ, લુળાસા, ભડ, દેળોદર, મિત્રાળા ગામોના રૂ.96 લાખથી વધુના 38 કામોનું ખાતમુહૂર્ત અને રૂ.35 લાખથી વધુના 18 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને અંતમાં ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય જેઠીબેન ઓડેદરા, સરપંચ સર્વ જીવા ઓડેદરા, કરસન છેલાણા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya