પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના NCC કેડેટ્સે તાજેતરમાં ગૌરવ અપાવ્યું છે. HNU યુનિવર્સિટી ખાતે આયોજિત સાત દિવસીય ATC કેમ્પમાં શાળાના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં NCC ટીમે કૂલ 11 મેડલ જીત્યા હતા, જે શાળાના માટે ગર્વની બાબત છે. શાળામાં શિક્ષણ સાથે-સાથે NCC, NSS, રમતગમત, સ્કાઉટ, ગાઈડ, ઇકોક્લબ જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને નૈતિક મૂલ્યો વિકસાવવામાં આવે છે.
આ કેમ્પમાં NCC ટીમના માર્ગદર્શક એસ.બી. પ્રજાપતિ (ANO) અને તમામ કેડેટ્સને શાળાના આચાર્ય બળદેવ દેસાઈ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ શાળાના શૈલેષ પ્રજાપતિએ પણ NCC ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવી છે. તેમણે 30 જૂનથી 30 ઓક્ટોબર સુધી નાગપુરના કામઠી ખાતે આવેલી ઓફિસર ટ્રેનિંગ એકેડમી (OTA) માં PRCN કોર્સ 183 સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ કોર્સ પૂર્ણ કર્યા બાદ શૈલેષપ્રજાપતિની એસોસિયેટ NCC ઓફિસર (ANO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ