- પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી
- 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની CCTV બંધ કરી ખેલ પાડ્યો
અમદાવાદ,14 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં પાલડીના શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના દેરાસરમાંથી 1 કરોડ 64 લાખની ચાંદીની ચોરી થઈ છે, પાલડીના દેરાસરમાં ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈકર્મચારીઓ છે. પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી છે. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતમાં ચોરી થઈ છે, આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂપિયા થાય છે। આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં સેક્રેટરી તરીકે સેવા આપતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ,કિરણ વાઘરી અને પુરી ઉર્પે હેત્તલ વાઘરી વિરૂદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે.
થોડા દિવસ પહેલા સવારે 11 વાગ્યાની આસપાસ રાજેશ, તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે, ભગવાનને ચઢાવવામાં આવેલી આંગી (ચાંદીનું ખોયુ) ગાયબ હતી. 8 ઓક્ટોમ્બરના રોજ દેરાસરમાં શિતલનાથ ભગવાન અને વાસુપુજ્ય સ્વામી ભગવાનને ચઢાવવા માટે આંગી આવી હતી. આંગીને દેરાસરના ભોયરામાં લોકર વાળા રૂમમાં મુક્યુ હતું, જે ગાયબ હતુ. આંગી શોધવા માટે રાજેશ અને અલ્પેશ સહિતના લોકોએ શોધખોળ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે, ભગવાનના મુગટ, કુંડળ પણ ગાયબ છે.
શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના સેક્રેટરી રાજેશે તરતજ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરીને ચોરી થયા હોવાની જાણ કરી દીધી હતી. દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલી વસ્તુઓ ચોરી થઈ છે તે મામલે તપાસ શરૂ કરી હતી.
જેમાં જાણવા મળ્યુ હતું કે, 117.336 કિલો ચાંદી ગાયબ હતુ. ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બંધ હોવાની જાણકારી સામે આવી હતી.
ચોરી દેરાસરમાં પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે કરી છે. મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરે છે. ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યુ તો તેણે જવાબ આપ્યો હતો કે, મેહુલ ફોન સ્વીચઓફ કરીને ગાયબ થઈ ગયો છે. ચાંદીના દાગીનાની ચોરી મેહુલ, કિરણ અને પુરીએ કરી હોવાનું પુરાવાર થતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસે સમગ્ર મામલે 1.64 કરોડની ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
દેરાસરની દિવાલમાં ચાંદીના પુંઠીયા લગાવવામાં આવ્યા હતા, પરંતુ બે વર્ષ પહેલા દિવાલ પર જીવાતો થઈ જતા પુંઠીયાને કાઢી લેવામાં આવ્યા હતા. ચાંદીના પુંઠીયાને હેમખેમ રીતે લોકરમાં મુકવામાં આવ્યા હતા, જેને પણ મેહુલ તેમજ કિરણ અને પુરીએ ચોરી લીધા છે. લોકરની ચાવી મેહુલ પાસે રહેતી હતી, જેના કારણે તેને વિશ્વાસઘાત કરીને ચોરી કરી છે. મેહુલે ચોરી કરવા માટે માસ્ટર પ્લાનિંગ કરી લીધું હતું. મેહુલને ખબર હતી કે, દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેના કારણે ચોરી કરવી અશક્ય છે. મેહુલે ચોરી કરવા માટે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જેથી કરીને તેની કોઈ હરકતો રેકોર્ડ થાય નહીં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ