જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગત્ મોડી રાત્રે એક ઈમારતનો રવેશનો ભાગ તૂટી પડ્યો હતો, આથી દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ મહાનગરપાલિકાના અધિકારીઓ દોડી ગયા હતાં અને જરૂરી કામગીરી હાથ ધરી હતી, જો કે સદ્નસીબે કોઈને ઈજા પહોંચી ન હતી.
જામનગરના પટેલ કોલોની શેરી નં. ૧૧ મા મીરા એપાર્ટમેન્ટના ત્રીજા માળનો રવેશ ગઈ મોડી રાત્રે એકાએક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ રવેશનો કાટમાળ નીચેના માળના ફ્લેટના રવેશ ઉપર પડતા તે પણ તૂટી પડ્યા હતાં, જો કે સદ્ભાગ્યે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી.
પરંતુ લોકો ભયભિત બની ગયા હતાં. મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલા આ જર્જરિત ઈમારતને નોટીસ પણ આપવામાં આવી હતી. આ પછી ઈમારતનું રિપેરીંગકામ પણ કરવામાં આવ્યું હતું. આમ છતાં ગઈ રાત્રે આ એપાર્ટમેન્ટનો રવેશનો હિસ્સો તૂટી પડ્યો હતો.
આ અંગેની જાણ થતા જ નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર (વહીવટ) મુકેશ વરણવા, એસ્ટેટ ફાયર શાખાની ટીમ દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો તેમજ અન્ય આઠેક ફ્લેટ ખાલી કરાવ્યા હતાં, જ્યારેઆજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઈમારતનો જોખમી હિસ્સો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. સદ્નસીબે મોડી રાતની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહતી. હવે મહાનગરપાલિકા દ્વારા આ ઈમારત માટે નિયમ મુજબની નોટીસ પાઠવવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt