સુરત , 14 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી, છઠ પૂજા અને બિહાર ચૂંટણીને પગલે સુરતના રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતમાં કામધંધા માટે રહેતા હજારો ઉત્તર ભારતીયો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા છે. જેના કારણે પ્લેટફોર્મની અંદર તેમજ બહાર લાંબી કતારો લાગી ગઈ છે.
પ્રથમવાર સુરત પોલીસે ભીડ નિયંત્રણ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લીધી છે. સ્ટેશન વિસ્તારની ભીડ પર નજર રાખવા માટે ડ્રોન ઉડાડવામાં આવ્યા છે, જેથી કોઇ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર ચુસ્ત કાર્યવાહી કરી શકે.ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનો માટે મુસાફરો રાત્રિના 12 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહેવા લાગ્યા હતા. ખાસ કરીને ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા એક્સપ્રેસ માટે સૌથી વધુ ભીડ જોવા મળી. ગયા વર્ષે એક જ દિવસમાં 60 હજારથી વધુ મુસાફરોના કારણે ભારે ગોટાળો સર્જાયો હતો, તે જોતાં આ વર્ષે સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર બનેલી ભાગદોડની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત રેલવે પર પોલીસ, RPF અને રેલવે તંત્ર હાઈએલર્ટ પર છે. ડ્રોન ઉપરાંત CCTV અને મેદાની પોલીસ તૈનાત કરી ભીડની હરકત પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે