પોરબંદર, 15 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયકલોથોનનું આયોજન કરાયું હતું. મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સાયકલોથોનનું જિલ્લા કલેકટર તથા મહાનગરપાલિકાના કમિશનરએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પોરબંદરમાં વિકાસ સપ્તાહ - 2025 ની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પોરબંદર મહા નગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 20 વર્ષ શહેરી વિકાસના ગુજરાત સરકારના વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાયકલોથોનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સાયકલોથોનના કાર્યક્રમને જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી અને મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ તથા જિલ્લા રમત અધિકારી પ્રવિણા પાંડાવદરા, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના હર્ષિત રુઘાણી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પોરબંદર શહેરમાં કનકાઈ માતાજીના મંદિર થઈ એસપી કચેરી રોડ, નવા અને જુના ફુવારાથી વાઘેશ્વરી પ્લોટ સહિતના રાજમાર્ગો ઉપર આ સાયકલોથોન યોજવામાં આવી હતી. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સહિત મોટી સંખ્યામાં સાયકલ લિસ્ટો વહેલી સવારે યોજાયેલ આ સાયક્લોથોનમાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya