જામનગરના જોડિયા તથા લાલપુર ખાતે 'કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫' ની ઉજવણી કરાઈ
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લાના જોડિયા અને લાલપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાના કૃષિ મ
કૃષિ વિકાસ દિન


જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લાના જોડિયા અને લાલપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાના કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.

જોડિયા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રસિલાબેન ચનિયારાના અધ્યક્ષ સ્થાને જોડિયા APMC ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડૉ.આશાબેન દેત્રોજા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો અજયસિંહ જાડેજા અને સુરેશભાઈ ગાંગાણિએ પોતાના સફળ પ્રાકૃતિક કૃષિના અનુભવો વર્ણવીને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા આહ્વાન કર્યું હતું, તેમજ ખેડૂત આગેવાન જેઠાભાઈ અઘેરાએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી અને બાગાયત વિભાગની ટ્રેકટર, પાવર ટિલર, તાર/સોલાર ફેન્સિંગ, પમ્પ સેટ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧૧,૦૭,૪૩૯/- ના સહાય ચૂકવણા હુકમો તેમજ બેસ્ટ ફાર્મર્સ 'આત્મા' એવોર્ડ્સનું વિતરણ કરાયું હતું.

લાલપુર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણજારીયા અને ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ.એસ.એન. ગલાણી દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, પાકોનું મૂલ્યવર્ધન અને ખેતી ખર્ચ ઘટાડી આવક વધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.

પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ રૂપાપરા દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવીને ખેડૂતોને આ દિશામાં વળવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેતીવાડી વિભાગની યોજનાના પેમેન્ટ હુકમો અને AGR-50 યોજના અંતર્ગત ટ્રેકટર ઘટક સહિત કુલ રૂપિયા ૯,૯૭,૯૧૮/- ના ચૂકવણા હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ મેળાના ભાગરૂપે કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રદર્શન સ્ટોલ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં આધુનિક ખેતીની ટેક્નોલોજી અને સરકારી યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં આ બંને કાર્યક્રમો થકી કુલ રૂપિયા ૨૧,૦૫,૩૫૭/- ની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande