ભાવનગર, 15 ઓક્ટોબર (હિ.સ.): યાત્રિયો સાથે સંવાદ અને સૂચનો દ્વારા રેલવે સેવાઓને વધુ લોકમુખી અને આધુનિક બનાવવા હેતુથી “સ્પેશિયલ કૈંપેન 5.0” અંતર્ગત મંગળવારના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન વિજય ભટ્ટ, સહાયક મંડળ યાંત્રિક ઇજનેર અને સ્ટેશન મેનેજર, ભાવનગર ટર્મિનસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગોના પર્યવેક્ષકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ યાત્રિયો સાથે સીધો સંવાદ સ્થાપી સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓમાં થયેલા સુધારાઓ અંગે ચર્ચા કરી. મુસાફરોએ “અમૃત ભારત સ્ટેશન યોજના” અંતર્ગત કરવામાં આવેલા વિકાસ કાર્યો — જેમ કે આધુનિક પ્રતીક્ષાલય, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓ તેમજ “વન સ્ટેશન વન પ્રોડક્ટ” સ્ટોલ —ની પ્રશંસા કરી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ સંવાદ દરમિયાન મુસાફરો પાસેથી અનેક મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થયા, જેમાં સ્ટેશન પર હરિત વિસ્તાર વધારવા, ડિજિટલ માહિતી પ્રણાલીને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક પરિવહન સાધનો સાથે સારો જોડાણ સ્થાપવા જેવી માંગણીઓ મુખ્ય રહી.
અધિકારીઓએ આ અવસરે મુસાફરોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિક કર્તવ્યો પ્રત્યે જાગૃત કર્યા તેમજ રેલવે વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું. આ “અમૃત સંવાદ” કાર્યક્રમ મુસાફરોની ભાગીદારીથી રેલવે સેવાઓને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકમુખી બનાવવાની દિશામાં એક સશક્ત પગલું સાબિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ