જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : 'ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન' દ્વારા સંચાલિત લાઇફ થેલેસેમિયા પ્રિવેન્ટિવ સેન્ટર, રાજકોટ અને આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા રોગના નિયંત્રણ અને જાગૃતિના ઉદ્દેશ સાથે, આઈ.ટી.આઈ. જામનગર ખાતે આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થેલેસેમિયા કેરિયરની ઓળખ કરીને રોગના વારસાગત સંક્રમણ વિશે જાગૃત કરવા આઈ.ટી.આઈ.ના ૪૯૩ જેટલા તાલીમાર્થીઓનું વિનામૂલ્યે થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પરીક્ષણની સાથે સાથે, વિશેષજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને થેલેસેમિયા રોગ શું છે, તેના લક્ષણો, કેવી રીતે ફેલાય છે અને ખાસ કરીને લગ્ન પહેલાં પરીક્ષણનું મહત્વ શું છે તે અંગે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદીના સક્રિય માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યએ આરોગ્ય શિબિરના આયોજન માટે ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ.ના સ્ટાફ મિત્રો અને થેલેસેમિયા પરીક્ષણ ટીમ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt