જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર તાલુકાના મોખાણા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 36.71 લાખના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર મોખાણા અને આસપાસના ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નવું કેન્દ્ર બનશે.આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી થવાથી હવે મોખાણા સહિત આસપાસના ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ આરોગ્ય સવલતો ઉપલબ્ધ થશે. ખાસ કરીને ગ્રામીણ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપતા, આ કેન્દ્ર પર પ્રસૂતા અને નવજાત શિશુની સારવાર, નિયમિત રસીકરણ, બાળ રોગ તથા કુપોષણ સંબંધિત સારવાર અને સુવિધા મળતી થશે.મંત્રી રાઘવજીપટેલે વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્ર ખાતે અન્ય તમામ રોગો માટે સારવાર, સચોટ નિદાન અને જરૂરી માર્ગદર્શન પણ અપાશે. સાથે જ, કેન્દ્રના માધ્યમથી સરકારની આરોગ્ય વિષયક અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ સીધા જ ગ્રામજનો સુધી પહોંચતા થશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt