અમરેલી, 15 ઓક્ટોબર (હિ.સ.): આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં જીત માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ સજાગ થઇ ગયું છે. લીલીયા બાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે પરામર્શ બેઠક યોજી અને આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડી. આ બેઠકમાં કોંગ્રેસી નેતાઓ લલીત વસોયા, માનસિંગ ડોડીયા, દિનેશ મકવાણા, ભીખુભાઈ વાડદોરીયા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત હાજર રહ્યા.
પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, ભાજપે નાના પક્ષોને લાવીને 2007થી ચૂંટણી જીતી છે, જ્યારે કેશુભાઈ પટેલને પણ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમણે ટોણો લગાવતા જણાવ્યું કે, 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું કબજો છે અને કોંગ્રેસને હવે મજબૂત બનાવવું એ મુખ્ય લક્ષ્ય છે. બેઠક દરમિયાન મકાન, ગામ, અને તાલુકા કક્ષાના કાર્યકર્તાઓને ત્રણ દિવસ માટે જુસ્સો અને કાર્યકૌશલ્ય સાથે તાલીમ આપવામાં આવી. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાવને વધારવા માટે વિવિધ સમીકરણો અને યોજના અંગે ચર્ચા કરી. પ્રતાપ દુધાતે જણાવ્યું કે, આગામી એક અઠવાડિયામાં તાલુકાવાઈઝ કોંગ્રેસનું સંગઠન જાહેર કરવામાં આવશે, જે જિલ્લા કક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવશે.
આ બેઠક દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉમંગ અને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓએ કાર્યકર્તાઓને આગળ વધીને ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai