પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં તોડફોડ, ધમકી અને ગેરકાયદેસર પ્રવેશના મામલે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સંબંધમાં શાળાના આચાર્ય ચિરાગ બાબુભાઈ ચતુરભાઈ પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટના 26 ઑગસ્ટ, 2025ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી.
ફરિયાદ અનુસાર, શાળાની પૂર્વ શિક્ષિકા પૂર્વીબેન પ્રમોદરાય દવે, મયુરભાઈ નાયક, દેવર્શભાઈ પંડ્યા, વિરલબેન નાયક, જીનલબેન નાયક તથા તેમની સાથેના કેટલાક અજાણ્યા લોકો શાળામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયા હતા. તેઓએ શાળામાં નારાબાજી, બૂમાબૂમ કરી, સ્ટાફને ગાળો આપી અને શાળાના વહીવટી કર્મચારી અનિલભાઈ ચૌહાણનું ગળું દબાવ્યું હતું. ઉપરાંત શિક્ષિકા ઊર્જાબેન નાયકને અપમાનિત કરવામાં આવ્યા હતા.
આરોપીઓએ શાળાની સફાઈ કામદાર તારાબેન વાલ્મીકીને જાતિવિશેષ અપશબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. મયુરભાઈ નાયકે તાંત્રિક વિધિની ધમકી આપીને સ્ટાફને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં છૂટ આપવા વિના વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે શાળાના નિયમોના ખુલ્લા ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વીબેન દવે શાળામાં વર્ષો પહેલા પ્રોબેશન શિક્ષક રહી ચુક્યા છે અને હાલમાં પોતાના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. શાળાથી દૂર કરાયેલા હોવાના વૈમનસ્યથી તેમણે શાળાની પ્રતિષ્ઠા નુકસાન પહોંચાડવા માટે ષડયંત્ર રચ્યું. તેમણે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને દુસ્પ્રેરિત કરીને તોડફોડ કરી હતી. ફરિયાદ થવામાં વિલંબ અંગે જણાયું છે કે શાળા મુંબઈ સંચાલિત હોવાથી સ્થાનિક ફરિયાદ માટે સંમતિ લેવી જરૂરી હતી. તેમ છતાં હવે BNSSની કલમો 192, 190, 329(3), 296(b), 324(2), 115(2), અને 351(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ