જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા 10 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર દરમિયાન શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ-2025 તથા વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને પ્રાધાન્ય આપવાના હેતુથી આ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વ સહાય જૂથના મહિલાઓને તથા હેન્ડીક્રાફ્ટના ૫૫ જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓ પોતાના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. અને સ્વદેશી અભિયાનનું સૂત્ર સાર્થક કર્યું છે. સ્વદેશી મેળામાં એક સ્ટોલ છે સુહાસિની સ્વ સહાય જૂથના મહિલાઓનો. આ સ્ટોલ પર મહિલાઓ દ્વારા ગાયના છાણ માંથી બનાવેલ સુશોભનની અવનવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુહાસિની સ્વ સહાય જૂથના સભ્ય રોશની કરમુર જણાવે છે કે, જામનગરના રાજપાર્ક વિસ્તારમાં તેઓ ગૌશાળા ચલાવે છે. અને ગાયના છાણ માંથી સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવે છે. ઉપરાંત તેઓ ભેળસેળ વગરના ઘીનું પણ વેચાણ કરે છે.જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવતા નથી. અને લેબ ટેસ્ટીંગ કરવાની પણ છુટ આપે છે. ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ રહે અને પોઝીટીવ એનર્જી આવે છે. પરંતુ ઘરમાં ઉપયોગ કરી શકાય તે હેતુથી ગાયના છાણમાંથી સુશોભનની વસ્તુઓ જેવી કે તોરણ, ટોડલીયા, શોપીસ, ઘડિયાળ, દીવડા સહીતની અનેક વસ્તુઓ સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બનીને આગળ આવે તે હેતુથી સરકાર દ્વારા અમને વિનામુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અન્ય જગ્યાએ સ્ટોલનું ભાડું ભરવું પડતું હોય છે. હાલ સરકાર દ્વારા સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં અમે પણ ગાયના છાણનો સદુપયોગ કરી વસ્તુઓ બનાવીને સહભાગી થયા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt