જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના એક કારખાનેદારે વીસેક દિવસ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આસામીએ વ્યાજે પૈસા લીધા પછી મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પાંચ વ્યક્તિએ અનહદ ત્રાસ આપતા આ પગલું ભર્યાની કારખાનેદારના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર શહેરમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લાલજી મારકણા નામના આસામીએ ગઈ 25 ના દિને ઝેરી દવા ગટગટાવી હતી. સારવારમાં ખસેડાયેલા આ આસામીના પત્નીએ પોતાના પતિએ રૂ.ત્રીસેક લાખ વ્યાજે લીધા પછી રૂ.40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ ત્રાસ અપાતો હોવાની કેફિયત આપી હતી.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ ધર્મેશ રાણપરીયા સહિત ઉપેન્દ્ર ચાંદ્રા, કિરીટ ગંઢા, હરીશ ગંઢા વગેરે વ્યક્તિઓએ પૈસા ધીર્યા પછી લાલજીભાઈએ 10 થી 12 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં ધર્મેશે તેઓને 20 દિવસ સુધી ગોડાઉનમાં ગોંધી રાખ્યાની અને મશીનરી ઝૂંટવી લીધાની, જયારે જોધા હાથલીયાએ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપ્યાની વિગતો આપવામાં આવી હતી. ઉપેન્દ્રએ મોટર ઝૂંટવી હતી જ્યારે કિરીટ તથા હરીશે ચેક રિટર્નના કેસ કર્યા હતા તેથી દબાણમાં આવી ગયેલા લાલજીભાઈએ ઝેરી દવા પીધી છે.
પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારપછી જેલહવાલે થયેલા આરોપી પૈકીના ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા અને અન્ય આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે આરોપીઓની જામીન અરજી રદ્દ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt