નડિયાદ,15 ઓકટોબર (હિ.સ.) ગઇકાલે મોડી સાંજે કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને રાજસ્થાનના જેસલમેરમાં બસ આગમાં 20 ભોગ બન્યા હતા ત્યારે બીજી બાજુ પાવાગઢ થી બાવળા જતી લક્ઝરી બસ નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.
આગ કયા કારણોસર લાગી તે બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરવામાં આવ્યો હતો, જે બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં જતા બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ગઇકાલે મોડી સાંજે કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની ચાર ગાડી, ગાંધીનગર ફાયરની બે ગાડી, કલોલ નગરપાલિકાની એક ગાડી, વડસર એરફોર્સની એક ગાડી, અરવિંદ મિલની એક ગાડીએ લાખો લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના 55થી વધુ જવાનો ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ ઉપર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ