પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતરની ઉણપની સમસ્યાને લઈ પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં હાલ વાવણીનો સમય ચાલી રહ્યો છે અને ઊભા પાક માટે ખાતર મળવું અત્યંત જરૂરી છે.
ધારાસભ્યે જણાવ્યું કે, ખેડૂતોને સહકારી મંડળીઓ અને બજારમાંથી પૂરતું ખાતર મળતું નથી અને સતત ફરિયાદો મળી રહી છે. કેટલીક ઘટનાના વીડિયો પણ તેમના સુધી પહોંચ્યા છે. પરિણામે કાળા બજાર વધી રહ્યો છે અને ખેડૂતોને ખાતર ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. તેમણે કૃષિ મંત્રીને અપિલ કરી છે કે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખાતરની પૂરતી સપ્લાઈ સુનિશ્ચિત થાય. સાથે જ, સંબંધિત અધિકારીઓને કાળા બજાર અટકાવવાના નિયંત્રણ માટે તાકીદ કરવાનું પણ જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ