અમરેલી, 15 ઓક્ટોબર (હિ.સ.): કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ પ્રયત્નો કર્યા. રવિ કૃષિ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સ્ટોલમાં પ્રાકૃતિક ઉત્પાદનો, બાયો ઇનપુટ્સ અને પેકેજીંગને રજૂ કરાયું, જે ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયું. આ સ્ટોલના માધ્યમથી વિદ્યાર્થીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જૈવિક ખાતર, પાક સંરક્ષણ અને પર્યાવરણ સાથે સુસંગત કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપી. સાથે જ, પ્રાકૃતિક ઉત્પાદનના ઉદ્યોગીકરણ અને માર્કેટિંગના ઉપાય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
ખેડૂતોએ આ સ્ટોલને ખૂબ સરાહ્યું અને સ્ટોલ પર દર્શાવાયેલા બાયો ઇનપુટ્સ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને પોતાના ખેતીમાં અપનાવવા માટે ઉત્સુકતા દર્શાવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને આ અભિયાન દ્વારા ખેડૂત સમુદાયમાં પ્રાકૃતિક કૃષિ તરફનું ધ્યાન વધારવાનો હેતુ દર્શાવ્યો. આ પ્રવૃત્તિને કારણે રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી વિષે લોકજાગૃતિ વધીને ખેડૂતો અને વિદ્યાર્થીઓ વચ્ચે મહત્વપૂર્ણ સંવાદ સ્થાપિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai