પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.): પાટણના બ્રહ્માકુમારી માર્ગ પર આવેલા શ્રી કુંજ સોસાયટી નજીક કચરાના ઢગલામાં રાત્રે આગ લાગી હતી. આશરે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે કચરો નાખીને તેને સળગાવ્યો હતો, જેના પગલે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે, સોસાયટીના રહીશો સમયસૂચકતા દાખવી ઘટના સ્થળે દોડી ગયા હતા.
રહીશોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર ફાયટર પહોંચે પહેલા રહીશોએ પોતાના સ્તરે ડોલા વડે પાણી નાખી આગને વિસ્તરતી અટકાવી હતી. સ્થાનિકોની સજાગતા અને સહિયારા પ્રયાસોને કારણે મોટી જાનહાનિ ટળી. બાદમાં ફાયર ફાયટર આવી પહોંચ્યું અને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આ ઘટનાએ પાટણ નગરપાલિકાની કચરા વ્યવસ્થાપન અને રાત્રિના સમયે કચરાના ગેરકાયદે નિકાલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે કચરાના ઢગલાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તથા આવા તત્વો સામે કડક પગલાં લઈ શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ