ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) પારદર્શક વહીવટ અને જનસુવિધા તથા વ્યવસ્થા એ જિલ્લા વહીવટી તંત્રનો મૂળભૂત ધ્યેય છે, અને આજ ધ્યેય સાથે કલેકટર મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં કુલ 41 કેન્દ્ર ઉપર 5920 ઉમેદવાર માટે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા તા.14 ,15 અને 16 ઓક્ટોબરના રોજ યોજાઇ રહી છે.જે અંતર્ગત રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કલેકટર મેહુલ કે.દવે દ્વારા પરીક્ષાાર્થીઓ માટે થયેલી વ્યવસ્થા તથા કામગીરીમાં રોકાયેલા સ્ટાફની પારદર્શક નીતિ અંગે અહેવાલ મેળવવામાં હતો.
વિગતે વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર -16 ખાતે આવેલા સેન્ટર ખાતે આજે યોજાયેલી પરીક્ષા દરમિયાન કલેકટર ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા મુલાકાત લઇ સમગ્ર પરીક્ષાની કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના કુલ 41 કેન્દ્ર પૈકી 2 કેન્દ્ર શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય અને શારદા વિદ્યાલય ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા વાળા કેન્દ્ર તરીકે નોમિનેટ કરી પરીક્ષા લેવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ