સુરત, 15 ઓક્ટોબર (હિ.સ.)-‘શહેરી વિકાસ વર્ષ-2025’ અને ‘વિકાસ સપ્તાહ-2025’ના સમાપન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.79.95 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને રૂા.84 કરોડ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ જિલ્લા વહીવટીતંત્રના રૂા.૮૮ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને રૂા.5.67 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરીને સુરતવાસીઓને કુલ રૂ.257 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઓયાજિત કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસને ગતિ આપતા અનેકવિધ કાર્યો થયા છે, જે શહેરને આધુનિક, સ્માર્ટ અને ગ્રીન સુરત બનાવવાની દિશામાં એક મજબૂત કદમ છે. સુરત મહાનગરના વિકાસનો દ્રષ્ટિકોણ માત્ર વર્તમાન જરૂરિયાતો પૂરતો સીમિત નથી, પરંતુ ભવિષ્યના પડકારોની પૂર્વ તૈયારી સાથે ‘વિકસિત ગુજરાત’ને સાકાર કરવાના ધ્યેય સાથે શહેરનો વિકાસ થઈ રહ્યો છે.
વધુમાં મેયરે જણાવ્યું હતું કે, સુરતનો શહેરી વિકાસ, સ્વચ્છતા અને ભાવિ આયોજન મોડેલરૂપ છે. સુરત આજે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ, BRTS બસ, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન સહિત અન્ય આધુનિક પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી શહેરના દરેક ખૂણે સુવિધાસભર કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. શહેરી આયોજન, મહત્તમ ઘરો ઉપર સોલર રૂફટોપ અને સ્વચ્છતામાં સુરતે દેશના વિકાસનો નવો માપદંડ ઘડ્યો છે.
સુરત મનપાના વિવિધ ઝોનના રૂ.84 કરોડના 15 કામો તેમજ વિવિધ ઝોનમાં રૂ.79.95 કરોડના 18 કામો મળીને કુલ રૂ.164 કરોડના 33 વિકાસકામો જેમાં આંગણવાડી, ફાયર સ્ટેશન-સ્ટાફ ક્વાર્ટર્સ, સુમન શાળા, આરોગ્ય કેન્દ્ર, શેલ્ટર હોમ, આરોગ્ય કેન્દ્ર, બસ ડેપો ટર્મિનલ, ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતઘર, આવાસો, મહિલા સશક્તિકરણના કામો સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો, મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ ‘વિકાસ સપ્તાહ’ના સમાપન સમારોહ અંતર્ગત વિકાસ સપ્તાહની ફળશ્રુતિ દર્શાવતી શોર્ટ વિડીઓ ફિલ્મ નિહાળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ, જિ.કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિ.વિકાસ અધિકારી શિવાની ગોયલ, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, વિવિધ સમિતિના અધ્યક્ષો સહિત મનપાના પદાધિકારી-અધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે