ગાંધીનગર, 15 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV) કેમ્પસ ખાતે TCS રૂરલ IT ક્વિઝ ના રાજ્ય-સ્તરીય કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) વિશે વધતી જતી જિજ્ઞાસા અને જાગૃતિને દર્શાવે છે.
નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને IT સાક્ષરતા વધારવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, IT અને BT વિભાગ દ્વારા શરૂ કરાયેલી રૂરલ IT ક્વિઝ સમગ્ર ભારતમાં સારો એવો પ્રતિસાદ મેળવી રહી છે. ગુજરાત રાજ્ય લેવલના રાઉન્ડમાં રાજ્યમાંથી 1143 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લા સ્તરની સ્પર્ધામાં 12,625 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમની 26મી આવૃત્તિમાં રાજ્યભરના 33 જિલ્લાઓમાંથી ભાગ લીધો હતો, જેમાં ધોરણ VIII થી XII ના વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો હતો. પ્રીલીમનરીની લેખિત પરીક્ષા પછી, છ વિદ્યાર્થીઓ ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા.
ફાઇનલમાં પાંચ સેગમેન્ટ હતા - પિક્સેલ હન્ટ, ટાઇમ મશીન, સિંક અપ, ધ લિંક અને ઓડ ફાઇન્ડ – આ સેગમેન્ટ થકી વિદ્યાર્થીઓના IT ક્ષેત્રના જ્ઞાનનું પરીક્ષણ કર્યું હતું.
રૂરલ આઇટી ક્વિઝના ગુજરાત ફાઇનલના વિજેતા: પ્રથમ ચેતન દંડ, (શ્રી એમ જે સી કે રત્નાશ્રમ, ભાવનગર) તેમજ રનર-અપ: જૈમિક મહેશભાઈ કાનાણી, (શ્રી દર્શન વિદ્યાલય, સુરેન્દ્રનગર) બન્યા.
વિજેતાને રૂ. 10,000 ના ગિફ્ટ વાઉચર્સ અને રનર-અપને રૂ. 7,000 ના ગિફ્ટ વાઉચર્સ ભેટ રૂપે આપવામાં આવ્યા. બધા સહભાગીઓને પ્રમાણપત્રો અને અન્ય ઇનામો પણ મળ્યા, અને શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
નેહા કુમારી, IAS, મિશન ડિરેક્ટર, ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) એ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકેની હાજરી આપી અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું. ડૉ. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST; નમ્રતા સોમાણી, બ્રાંચ હેડ, TCS, અમદાવાદ તથા શોભા મૂર્તિ, જનરલ મેનેજર, TCS એ પણ કાર્યક્રમમાં હાજરી આપી અને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા.
ડૉ. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે, GUJCOST હંમેશા ગુજરાતભરના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વલણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. રૂરલ IT ક્વિઝ રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચવા અને 21મી સદીના જ્ઞાન અને કૌશલ્યોથી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાના અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં IT ની સુસંગતતા સમજવા, ડિજિટલ અવેરનેસ વિકસાવવા અને રાષ્ટ્રીય સ્તરના એક્સપોઝર માટે પ્રેરિત થવાની અનોખી તક પૂરી પાડી છે. આ કાર્યક્રમે GUJCOST દ્વારા સમર્થિત પહેલ દ્વારા ડિજિટલ સાક્ષરતા, STEM શિક્ષણ અને ઈનોવેટીવ કલ્ચર પર ગુજરાત સરકારના પ્રયત્નને પણ રેખાંકિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ