મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના મેવડ ગામે ચૌધરી સમાજ દ્વારા મહિલાઓના આરોગ્ય માટે નોંધપાત્ર પહેલ કરવામાં આવી. સમાજના સહયોગથી 9 થી 14 વર્ષની દિકરીઓ માટે સર્વાઇકલ કેન્સર સામે રસીકરણ અભિયાન યોજાયું, જે ગારડીયા સિલ 9 કેન્સર હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી મેવડ કિસાન ભારતી વિદ્યાલય ખાતે યોજાયું.
આ અભિયાન અંતર્ગત મેવડ, બોરીઆવી, કુકસ, ગુંજાળા, લક્ષ્મીપુરા, પુનાસણ, રામપુરા અને સામેત્રા સહિત વિવિધ ગામોની કુલ 546 દિકરીઓનું રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ અભિયાનમાં લવજીભાઈ કરસનભાઈ ચૌધરી, નારાયણ ગ્રુપ, CTC ચૌધરી ટ્રાન્સપોર્ટ, BBC ટ્રસ્ટ અને અન્ય દાતાશ્રીઓએ ઉદાર સહયોગ આપ્યો. આચાર્ય ઉષાબેન ચૌધરી અને શિક્ષક સ્ટાફે સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી સેવા આપી. સંસ્થાના પ્રમુખો અને સ્વયંસેવકોના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો. આ પહેલ ચૌધરી સમાજ માટે આરોગ્ય જાગૃતિ અને મહિલા સુરક્ષા તરફનું પ્રેરણારૂપ પગલું બની રહ્યું છે, જેનાથી અનેક પરિવારોમાં સ્વાસ્થ્ય અંગે નવી સકારાત્મક દિશા ઊભી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR