વલસાડ , 15 ઓક્ટોબર (હિ.સ.)-. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતેથી વલસાડ વહીવટી તંત્ર, વાપી મહાનગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાના આશરે રૂ. 49 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દંડકએ જણાવ્યું હતું કે, વર્ષ 2001થી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધૂરા સંભાળી હતી ત્યારથી તેમણે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવવા માટે પ્રયત્ન કર્યા હતા. તેઓએ દેશના વડાપ્રધાન તરીકે દેશમાં સુશાસન, સેવા અને સમર્પણની ભાવનાથી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. આ યોજનાઓને કારણે શહેરી વિકાસ માટે પણ ઘણા વિકાસના કામો થયા છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરોનો વિકાસ થયો છે તો આદિવાસી વિકાસ માટે વન બંધુ કલાયાણ યોજના, સાગરખેડૂઓ માટે સાગરખેડૂ યોજના, કિસાનો માટે કિસાન સન્માન નિધિ અને ગરીબો માટે અન્ન સુરક્ષા યોજના અમલમાં છે. લોકોના આરોગ્ય માટે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડથી ગુજરાતમાં 10 લાખ સુધીની સારવાર વિનામુલ્યે થાય છે.
આ અવસરે વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે વલસાડ નગરપાલિકાના રૂ.31.23 કરોડ, વલસાડ વહીવટી તંત્રના રૂ. 15.74 કરોડ, વાપી મહાનગરપાલિકાના રૂ.1.65 કરોડ અને ધરમપુર નગરપાલિકાના રૂ.46.04 લાખ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે આ ઉજવણીનો મુખ્ય હેતુ સમજાવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના વિકાસ સપ્તાહનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરી, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે