ફાયરબ્રિગેડ 3 કલાકથી આગ કાબૂમાં લેવા પ્રયાસ
વડોદરા, 15 ઓકટોબર (હિ.સ.): ગુજરાતમાં ગઇકાલે મોડી સાંજે કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને રાજસ્થાનના જેસલમેરમાં બસ આગમાં 20 ભોગ બન્યા હતા, પાવાગઢ થી બાવળા જતી લક્ઝરી બસ નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે વડોદરા જીઆઇડીસીમાં ડાયનામિક ઇંક કંપનીમાં સોલ્વન્ટ થિનરના બેરલમાં ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડ 3 કલાકથી આગ કાબૂમાં લેવા પ્રયાસ
વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નં 246 સિદ્ધિ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ડાયનામિક ઈંક એન્ડ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આ કંપનીમાં અચાનક આગનો બનાવ સામે આવતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવને લઈ વડોદરા ફાયર વિભાગની ટીમો પણ રવાના થઈ છે અને છેલ્લા ત્રણ કલાકથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
વાઘોડિયા જીઆઇડીસી ખાતે આવેલ આ કંપની કલર મટીરિયલ બેરલમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ભીષણ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર જોવા મળ્યા હતા. આ ભીષણ આગ માટે વાઘોડિયા અને વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની ટીમો કામે લાગી છે. આ કંપનીમાં રહેલા સોલ્વન્ટ થિનરના બેરલોમાં વારંવાર બ્લાસ્ટ થતાં હોવાની વિગતો પણ સામે આવી છે.
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. અત્યારસુધીમાં 6 ઉપરાંત બંબાએ આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આગની ઘટનામાં કંપનીનો શેડ બળીને ખાક થઈ ગયો છે. સોલ્વન્ટ, પિગમેન્ટ અને સોલ્યુશન બેરલમાંથી ટેન્કમાં ભરતાં આ આગ લાગી હોવાનું અનુમાન છે. આ બનાવ બન્યો ત્યારે બે કામદારો કામ કરતા હતા, જોકે આ ઘટનામાં અત્યારસુધીમાં કોઈ જાનહાનિ સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં મટીરિયલ બળીને ખાક થઈ ગયું છે. હાલમાં આગ મહદંશે કાબૂમાં આવી હોવાની વિગતો સામે આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ