મહેસાણા, 15 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજબાજારમાંથી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઊંઝાના જાણીતા વેપારી અનિલસિંહ પાસેથી રાજકોટની એક ટ્રેડિંગ કંપનીએ લાખો રૂપિયાનું યુનુ લગાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, લક્ષ્મીનારાયણ અનિલકુમાર પેઢીના માલિક અનિલસિંહ પાસેથી “રાઠી એગ્રો ટ્રેડિંગ” નામની રાજકોટ સ્થિત કંપનીએ વિવિધ ધાન્યની ખરીદીના બહાને વ્યવહાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં વ્યવહાર નિયમિત ચાલતા વેપારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ બાદમાં ચુકવણી ટાળતા કંપનીના માલિક અરવિંદ ઘોડાદરાએ વેપારીને છેતર્યો હોવાનું ખુલ્યું છે.
સોમનાથ કંપનીના માલિક હેમંત ધવલાએ પણ આ વ્યવહારમાં ભાગ લીધો હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં નોંધ્યું છે. કુલ રૂ. 1.72 કરોડની રકમ વેપારી પાસેથી ઉઠાવી લેવાઈ હોવાનો આક્ષેપ છે.
વેપારીએ અંતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સાજિશના ગુનામાં કેસ દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ કિસ્સાએ ઊંઝા-મહેસાણા વેપાર વર્તુળમાં ભારે ચકચાર મચાવી છે અને વેપારીઓમાં સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR