પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેર સદીઓથી તેની સમૃદ્ધ કલા, કારીગરી અને ખાસ કરીને માટીકામ માટે જાણીતું છે. દિવાળીના પાવન પર્વ દરમિયાન આ પરંપરા નવેસરથી જીવંત બને છે. આજે પણ ઓતિયા પરિવાર જેવા પરંપરાગત કારીગરો પેઢી દર પેઢી આ હૂનરને જીવંત રાખી રહ્યા છે. તેમના હસ્તકૌશલથી તૈયાર થતા કોડિયા, દીવા અને અન્ય માટીની વસ્તુઓમાં પાટણની સંસ્કૃતિ અને કળાનો જીવંત ચિતાર જોવા મળે છે.
દિવાળીને અનુલક્ષીને, આ કારીગરો સાદા કોડિયા સિવાય ઘંટડીવાળા ઝુમ્મર, તુલસી ક્યારા, જાદુઈ દીવા, હાથી પર દીવા, માટીના ફાનસ, વાસણો અને મૂર્તિઓ જેવી અનેક આકર્ષક કલાત્મક વસ્તુઓ તૈયાર કરે છે. બજારમાં આ વર્ષે 50થી વધુ પ્રકારના કોડિયા વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમની કિંમત ₹2 થી ₹50 સુધીની છે, જ્યારે મોટા ઝુમ્મર ₹500 સુધીના ભાવે મળે છે. ઓતિયા પરિવાર દ્વારા બનાવાતા પરંપરાગત કોડિયાની આજે પણ ઊંચી માંગ છે.દિવાળી એ અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ છે. આ પવિત્ર પ્રસંગે ઘરમાં દીવો પ્રગટાવવાનો રિવાજ છે અને માટીના કોડિયાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ છે. આ વસ્તુઓ લોકોની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, તેથી કોડિયાની ખરીદી શુભ માનવામાં આવે છે. સસ્તી ચાઈનીઝ લાઇટ્સ હોવા છતાં, પાટણના પરંપરાગત કોડિયાઓ પોતાનું સ્થાન યથાવત રાખવામાં સફળ રહ્યાં છે, કારણ કે એ માત્ર શણગારની વસ્તુ નથી – તે એક પરિવારની પેઢી દર પેઢીની મહેનત, પરંપરાનું પોષણ અને દિવાળીના શાશ્વત પ્રકાશનું પ્રતીક છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ