સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ હિંમતનગરમાં ગત મોડીરાત્રે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકારની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ 40 વર્ષીય સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા તરીકે થઈ છે, જે કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.
માહિતી મુજબ, સુરેશભાઈ રાત્રે કામ પૂરુ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હિંમતનગર વિસ્તારમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રોકી ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુરેશભાઈ રસ્તા પર ઢળી પડ્યા અને સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ કાપોદ્રા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ — ડીસીપી આલોકકુમાર, ડીસીપી રાઘવ જૈન અને એસીપી ટીમો — તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સુરેશભાઈ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વતની હતા. તેઓ પત્ની અને બે નાનકડા પુત્રો સાથે રહેતા હતા. તેમના માતા-પિતાનું નાનપણમાં જ અવસાન થયું હોવાથી પરિવારનો આખો ભાર તેમના ખભા પર જ હતો.
હાલ પોલીસે હત્યાના કારણો અને હુમલાખોરોની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ કોઈ વ્યક્તિગત રંજિશ કે લૂંટના ઈરાદાને કારણે પણ આ હુમલો થયો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે