સુરત, 16 ઓક્ટોબર (હિ.સ.): સુરતના પુણા ગોડાદરા રોડ વિસ્તારમાં આવેલ કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં બનેલા ગોડાઉનમાં ગુરુવાર સાંજે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. શરૂઆતમાં મંડપ અને ડેકોરેશન સામાનના ગોડાઉનમાં લાગી રહેલી આગ થોડા જ સમયમાં વિક્રાળ સ્વરૂપ ધારણ કરી અન્ય નજીકના ગોડાઉનોને પણ પોતાની ચપેટમાં લઈ ગઈ હતી.
ફાયર વિભાગની કુલ 15થી 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગાદલા, લાકડું અને કાપડ જેવી સહજ સળગતી વસ્તુઓના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી છે. હાલ એફએસએલની ટીમ દ્વારા આગના કારણોની તપાસ ચાલી રહી છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણ શક્ય હોવાનું અનુમાન છે.
ફાયર અધિકારી કૃષ્ણા મોઢે જણાવ્યું કે, “મંડપ અને ડેકોરેશનના સામાન ભરેલા ગોડાઉનમાં આગના કારણો હજી સ્પષ્ટ નથી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.”
દિવાળીની સીઝન પહેલા જ બનેલી આ દુર્ઘટનાએ ગોડાઉન માલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે