- છેલ્લા 20 વર્ષથી પોલીસને હંફાવતું હતું બુટલેગર પરિવાર
વડોદરા,16 ઓકટોબર (હિ.સ.) છેલ્લા 20 વર્ષથી પોલીસને હંફાવનાર બુટલેગર પરિવાર સામે ગુજરાત સરકારે ગુજકોકનો કેસ દાખલ અને તપાસ માટે 17 સભ્યોની SITની રચના કરી.
વડોદરાના રતનપુરના જયસ્વાલ પરિવારની બુટલેગર ગેંગ સામે GUJCTOC હેઠળ 33 ગુનાઓ નોંધાયા છે. આ ગેંગમાં પતિ-પત્ની, પુત્ર, ભાઈ અને નોકર સાથે મળીને 20 વર્ષથી ગેરકાયદેસર દારૂના ધંધાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ પાંચેયની ધરપકડ કરાઈ છે અને આ મામલે તપાસ માટે હાલ 17 સભ્યોની SIT ટીમ રચાઈ છે.
ગુજરાતમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વડોદરા જિલ્લા અને રેન્જમાં પ્રથમવાર જિલ્લા પોલીસે બુટલેગર પરિવાર પર ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. જેણે છેલ્લા બે દાયકાથી વડોદરા ઉપરાંત અનેક જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી આતંક મચાવ્યો હતો.
20 વર્ષથી ગેરકાયદેસર દારૂના ધંધાનું મોટું નેટવર્ક ચલાવનાર રતનપુરના જયસ્વાલ કુટુંબના 4 સભ્યો સહિત પાંચ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી ધરપકડ કરાયેલાઓમાં પતિ, પત્ની, પુત્ર, ભાઈ સહિત એક નોકરનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ જિલ્લામાં દારૂના ધંધા, જુગારની પ્રવૃત્તિ, ખોટા દસ્તાવેજો બનાવવા, ખૂનની કોશિશ અને સૌથી ગંભીર – સરકારી નોકર એટલે કે પોલીસ પર હુમલા કરવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ જયસ્વાલ પરિવાર છેલ્લા 20 વર્ષથી વિવિધ ગુનાઓ સહિત દારૂના અડ્ડાઓ ચલાવતો હોવાની પોલીસને માહિતી હતી, પણ પોલીસ દારૂના અડ્ડાઓ પર રેડ કરવા જતી, ત્યારે ગેંગના સાગરીતો પોલીસ પર હુમલો કરતા હતા. આ ગેંગનું નેટવર્ક માત્ર વડોદરા પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમણે અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ પોતાનો ગેરકાયદેસર ધંધો ફેલાવ્યો હતો. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી આ ગેંગ દારૂ મંગાવતી હતી.
વધુમાં આ ગેંગના મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને ટોળકી પર વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે,
પોલીસે હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમના 30 દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી ગેંગના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. આ કેસની ગંભીરતા જોતાં ગુજસીટોકની તપાસ માટે 17 સભ્યોની એક વિશેષ તપાસ ટુકડી, એટલે કે SITનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ડીવાયએસપી આકાશ પટેલને તપાસ અધિકારી બનાવાયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આ ગેંગે ગેરકાયદેસર દારૂના ધંધામાંથી કમાયેલા પૈસામાંથી પેટ્રોલ પંપ, અનેક મિલકતો અને દુકાનો સહિત કરોડોની સંપત્તિ વસાવી છે, જેની તપાસ હાલમાં ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ