ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ, આવતીકાલે શપથગ્રહણ સમારોહ
ગાંધીનગર, 16 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્ય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 16 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

રાજ્ય માહિતી વિભાગ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, ૧૭ ઓક્ટોબરે સવારે ૧૧ .૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે.

સામાન્ય રીતે દર બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે.

આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે. બપોરે 3 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવશે.

ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓની વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલ તેમના વતન કુરુક્ષેત્રના પ્રવાસે હતા. કુરુક્ષેત્રનો પ્રવાસ 16 ઓક્ટોબર સુધીનો હતો.

થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ ત્યારથી સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય પૂર્વે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો વિજય થયો હતો અને ત્યારબાદ જે રીતે તેઓ કામગીરીથી સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ કારણે ભાજપ નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના નેતાઓને વધુ તક મળશે એવું લાગી રહ્યું છે.

ભાજપમાં ઘણા સિનિયર નેતાઓ નારાજ હોય એવું લાગી રહ્યું છે, જેને લઇને કેટલાક સિનિયર ભવિષ્યમાં આપમાં જોડાઇ જાય એવી પણ સ્થિતિ ઊભી થઇ શકે છે, જેની માહિતી હાઇકમાન્ડમાં પહોંચી હોવાથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનું પણ ગણિત શઇ શકે છે. જેથી ભાજપ પણ હવે કોઇ રિસ્ક લેવા માંગતો નથી. ભાજપમાં જે શક્તિશાળી ગણાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ કારણોસર સાઇડલાઇન છે તેવા નેતાઓને હવે મોટા પદ આપીને નવી જવાબદારી સોંપાશે. વધુ ડેમેજ અટકાવવા માટે પણ કેટલાક જૂના જોગીઓને પણ ફરીથી તક મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું હતું, 4 વર્ષ પહેલાં ભાજપ હાઇકમાન્ડે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખી સૌને ચોંકાવ્યા હતા. કોઇને અંદાજો પણ ન આવે એ રીતે સર્જાયેલા આખા ઘટનાક્રમમાં વિજય રૂપાણી રાજીનામું આપવા રાજભવન પહોંચી ગયા હતા. તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નેતૃત્વમાં 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પર ઐતિહાસિક જીત મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande