જુનાગઢ 16 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર વિકાસ સપ્તાહની ઉજવણી વર્ષ ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ ની પણ ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ– ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, જૂનાગઢ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ખેતીના આદર્શ મોડેલ પર ખેડૂતોની મુલાકાત અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આદર્શ મોડેલ ફાર્મો પર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ અને વાપસા જેવા પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે જીવંત પ્રયોગાત્મક માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં સ્થાનિક ગાય આધારિત ઉત્પાદનો, બાયો-ઇનપુટ્સ, કીટ નિયંત્રણ માટેના ઉપાયો અને સફળ પ્રાકૃતિક ખેડૂતોના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જેમાં ખેડૂતોએ ગોષ્ઠી દરમિયાન જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા સુધરે છે, પાણીની બચત થાય છે અને ખેતી વધુ ટકાઉ અને કાર્યક્ષમ બને છે.
તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં જિલ્લા તથા તાલુકા સ્તરના કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, પ્રાકૃતિક ખેતીની તાલીમ પ્રાપ્ત કૃષિ સખીઓ અને સી.આર.પી. ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતોની નવીન પ્રવૃત્તિઓ અને ઉત્પાદનોની પ્રશંસા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના સમગ્ર કાર્યક્રમના આયોજન કરવાનો હેતુ આગામી રવિ સીઝનમાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા, રાસાયણિક ઇનપુટસ પરનો ખર્ચ ઘટાડવો, જમીનની ફળદ્રુપતા વધારવી તથા ટકાઉ ખેતી પ્રણાલી સ્થાપિત કરવાનો રહેલો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ