જૂનાગઢ, 16 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જન ભાગીદારીને જોડીને વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત મેંદરડા તાલુકાના આલીધ્રા ગામ ખાતે રાત્રી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરે અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે, આજે સરકાર ગામને આંગણે આવી લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો આપી રહી છે. સરકાર દ્વારા ખેડૂતોને મળતા ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના અમલથી ખેડૂતોની આર્થિક સુખાકારીમાં વધારો થયો છે. તેમણે વિકાસની ગાથા વર્ણવતા સરકારની પૂર્ણ શક્તિ, પી.એમ.જે.વાય કાર્ડ જેવી યોજનાઓના મળવા પાત્ર લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ધાત્રીમાતાઓ, યશોદા માતાઓ, આશા વર્કર, સખીમંડળ વગેરે દ્વારા કરવામાં આવતી સરકારની વિવિધ યોજનાકીય કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાકીય લાભો ખેડૂતોને સતત મળી રહે તેવા પ્રયત્નો થકી ગ્રામ્ય સ્થળેથી જ ટેકનોલોજી સુવિધાના માધ્યમથી ઓનલાઈન પોર્ટલ દ્વારા કૃષિ યાંત્રિકરણની વિવિધ યોજનાઓના લાભો મળતા થયા છે. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો અને શાળામાં સ્માર્ટ ક્લાસના નિર્માણ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થયો છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ ‘‘વિકાસ સપ્તાહ’’ ની ઉજવણીને અનુલક્ષી સરકાર દ્વારા અમલીકૃત જનહિત લક્ષી યોજનાઓ, ૨૪ કલાક વીજળી, ઈ- ગ્રામ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પી.એમ કિસાન યોજના, જિલ્લા- તાલુકા સ્વાગત કાર્યક્રમો, સખી મંડળો જેવી વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી અને ગામની સુખાકારી તેમજ શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સરાહનીય કામગીરી માટે વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આલીધ્રા ગામે રૂ.૭૭ લાખના ૧૪ કામોનું ઈ- ખાતમુહુર્ત તથા રૂ.૨.૧૫ લાખના એક કામનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાયા હતા.
મહાનુભાવો અને ગ્રામજનોએ ગુજરાતના વિકાસની ઝાંખી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી અને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સ્વાગત પ્રવચન આપ્યુ હતુ. મામલતદારએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીણા નિયામક પી.એ.જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, પ્રાંત અધિકારી પ્રતિક જૈન, નાયબ પશુપાલન નિયામક, તાલુકા પંચાયત પ્રમુખ વિવિધ કર્મચારીગણ, સરપંચઅને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ