પ્રધાનમંત્રી મોદી, આજે આંધ્રપ્રદેશમાં ₹13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રીશૈલમમાં પ્રખ્યાત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરશે. તેઓ કુર્નૂલમાં ₹13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો
وزیرِاعظم نریندر مودی


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રીશૈલમમાં પ્રખ્યાત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરશે. તેઓ કુર્નૂલમાં ₹13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પ્રધાનમંત્રી સવારે નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમમાં પ્રખ્યાત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરશે. આ મંદિર 12 જ્યોતિર્લિંગ અને 52 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરની વિશિષ્ટ વિશેષતા એ છે કે, તેમાં એક જ સંકુલમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને આવેલા છે, જે તેને દેશમાં એક અનોખું ધાર્મિક સ્થળ બનાવે છે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી મોદી શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રની મુલાકાત લેશે. આ કેન્દ્ર છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત એક સ્મારક સંકુલ છે, જેમાં ધ્યાન મંદિરના ચાર ખૂણા પર તેમના ચાર મુખ્ય કિલ્લાઓ - પ્રતાપગઢ, રાજગઢ, રાયગઢ અને શિવનેરીના મોડેલો છે. કેન્દ્રમાં ધ્યાનસ્થ મુદ્રામાં શિવાજી મહારાજની પ્રતિમા છે. આ સ્મારકનું સંચાલન શ્રી શિવાજી સ્મારક સમિતિ દ્વારા કરવામાં આવે છે, જે 1677 માં શિવાજી મહારાજની શ્રીશૈલમની મુલાકાતની યાદમાં સ્થાપિત કરવામાં આવી હતી.

અહીંથી, પ્રધાનમંત્રી કુર્નૂલ જશે, જ્યાં બપોરે લગભગ 2:30 વાગ્યે, તેઓ આશરે ₹13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ ઉદ્યોગ, રસ્તાઓ, રેલ્વે, ઉર્જા, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. તેમનો ઉદ્દેશ્ય પ્રાદેશિક માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા અને આંધ્રપ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવાનો છે.

પ્રધાનમંત્રી, કુર્નૂલ-III પૂલિંગ સ્ટેશન ખાતે ટ્રાન્સમિશન સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેનો ખર્ચ ₹2,880 કરોડથી વધુ થશે. આનાથી ટ્રાન્સફોર્મેશન ક્ષમતામાં 6,000 એમવીએ નો વધારો થશે અને નવીનીકરણીય ઉર્જાના ટ્રાન્સમિશનને પ્રોત્સાહન મળશે.

ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી કુર્નૂલમાં ઓરવાકલ ઔદ્યોગિક વિસ્તાર અને કડપામાં કોપર્થી ઔદ્યોગિક વિસ્તારનો શિલાન્યાસ કરશે, જેનો કુલ રોકાણ ₹4,920 કરોડથી વધુ થશે. આ પ્રોજેક્ટ્સથી આશરે 100,000 રોજગારીનું સર્જન થવાની અને ₹21,000 કરોડના રોકાણ આકર્ષિત થવાની અપેક્ષા છે.

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના ભાગ રૂપે, પ્રધાનમંત્રી ₹960 કરોડના ખર્ચે સબ્બાવરામ-શીલાનગર છ-લેન ગ્રીનફિલ્ડ હાઇવેનો શિલાન્યાસ કરશે. વધુમાં, ₹1,140 કરોડના વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી રાજ્યભરમાં ટ્રાફિક, સલામતી અને કનેક્ટિવિટીમાં સુધારો થશે.

રેલવે ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી ₹1,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં કોટ્ટાવલાસા-વિજિયાનગરમ ચોથી રેલ્વે લાઇન, પેન્ડુર્થી-સિમહાચલમ નોર્થ રેલ ફ્લાયઓવર અને શિમીલીગુડા-ગોરપુર સેક્શનનું ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઉર્જા ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી ગેઇલ ઇન્ડિયા લિમિટેડની ₹1,730 કરોડની શ્રીકાકુલમ-અંગુલ કુદરતી ગેસ પાઇપલાઇન અને ચિત્તૂરમાં ઇન્ડિયન ઓઇલ એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ્સથી 7.2 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો થશે.

સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી કૃષ્ણા જિલ્લાના નિમ્માલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની એડવાન્સ્ડ નાઇટ વિઝન પ્રોડક્ટ્સ ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આશરે ₹360 કરોડના ખર્ચે બનેલ આ ફેક્ટરી ભારતીય સશસ્ત્ર દળો માટે અદ્યતન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરશે, જે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande