પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી (હરિહર ધામ, ખોખરા, મોરબી)ની પ્રેરણા અને આશીર્વાદથી સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના આર્થિક રીતે પછાત બાળકો માટે દિવાળી નિમિત્તે મીઠાઈ, ફરસાણ અને ફટાકડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેઓ પણ તહેવારની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી શક્યા.
આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે જ્યાં સક્ષમ પરિવારો તહેવારોમાં તેમના બાળકો સાથે આનંદ કરે છે, ત્યાં પછાત વિસ્તારના બાળકો પણ આવી જ ખુશી અનુભવીને જીવનમાં પ્રકાશ પાથરી શકે. સદગુરુ પરિવાર લુણીચાણાની પહેલ દ્વારા દિવાળીની સાચી ભાવના અનુસાર સમાજના દરેક વર્ગ સુધી આનંદ પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો.
આ પહેલા પણ સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેમ કે અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ, આર્થિક રીતે પછાત બાળકોને ગણવેશ, શૈક્ષણિક કીટ વિતરણ અને કન્યા પૂજન. આ દિવાળી વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદારસિંહ ગોહિલ અને બી.બી. પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ