પાટણ, 16 ઓક્ટોબર (હિ.સ.): પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષય પર યોજાયેલા વર્કશોપમાં રિસોર્સ પર્સન ઝેબા સૌદાગરે પ્રારંભિક વર્ષોમાં બાળકના ઉછેરના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. ઝેબા સૌદાગરે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે બાળકોના આત્મવિશ્વાસ, શૈક્ષણિક કૌશલ્ય અને ભાવનાત્મક વિકાસ માટે માતાપિતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ બાબતને સમજાવવા માટે સુંદર ઉદાહરણો અને પ્રેરક વિચારો રજૂ કર્યા અને બતાવ્યું કે માતાપિતા કેવી રીતે બાળકોના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ બની શકે છે. આ વર્કશોપમાં બાળવટિકા વિભાગની ૧૫૦થી વધુ માતાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. ઉપસ્થિત માતાઓએ બાળકોના ઉછેર સંબંધિત અનેક ઉપયોગી અને પ્રેરણાદાયક બાબતો શીખી અને આવો કાર્યક્રમ પુનઃ યોજાય એવી માંગ પણ વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ