મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન તથા મંદિર ચોરીમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, બેચરાજી પોલીસ સ્ટેશનના હદમાંથી છેલ્લા થોડા સમયમાં 3 નંગ મોબાઈલ ફોન ગુમ થયાના તથા એક સ્થાનિક મંદિરમા થયેલી ચોરીના બનાવોમાં મુદ્દામાલની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ટીમે દિશા-નિર્દેશ હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ટેક્નિકલ તથા માનવ ગુપ્તચર સૂત્રોના આધારે ગુમ થયેલા ત્રણેય મોબાઈલ શોધી કાઢ્યા હતા. સાથે સાથે, મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ પુનઃપ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
આ સામગ્રીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જનતા સમક્ષ આયોજનબદ્ધ રીતે મૂળ માલિકોને સોંપવામાં આવી. પોલીસની આ કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તેમજ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
બેચરાજી પોલીસના આ પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈને ગુમાવેલું સામાન પરત કરવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે. પોલીસ દ્વારા આવી માનવ કલ્યાણકારી પહેલથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR