મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) પૂજ્ય મહાત્મા ગાંધીજીની 156મી જયંતિના પાવન અવસરે મહેસાણા શહેરમાં એક અનોખી પહેલ કરવામાં આવી. એકાત્મ સમિતિ અને મહેસાણા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે “KHARI RIVER CALLING” અભિયાન અંતર્ગત ખારી નદી તથા તેની આસપાસના પરિસરને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશાળ સમયદાન ડ્રાઈવ યોજાઈ.
આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સમાજસેવી સંસ્થાઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સૌએ પોતાના હાથે નદીના કિનારા અને પરિસરથી કચરો, પ્લાસ્ટિક તથા ગંદકી દૂર કરી શ્રમદાન આપ્યું. ખારી નદી, જે મહેસાણા શહેર માટે જીવનદોરી સમાન છે, તેને પુનઃ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોમાં વિશેષ જાગૃતિ ફેલાઈ.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સભ્યો દ્વારા સંકલ્પ લેવાયો કે આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં રહે, પરંતુ સતત સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે કામગીરી હાથ ધરવામાં આવશે. ખારી નદીને પુનઃ નગરજનો માટે ગૌરવપૂર્ણ બનાવવાનો નિશ્ચય વ્યક્ત થયો.
ગાંધી જયંતિના પાવન દિવસે હાથ ધરાયેલ આ શ્રમદાનથી માત્ર નદી જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં સ્વચ્છતા પ્રત્યેનો સકારાત્મક સંદેશ પ્રસરી ગયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR