પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) બીજી ઓક્ટોબરના રોજ પાટણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રેલવે ગરનાળા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને વિવિધ રાજકીય, સામાજિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા માલ્યાર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ, ભારત વિકાસ પરિષદ, સિદ્ધહેમ શાખા, પાલિકા સ્ટાફ અને અન્ય સરકારી તંત્રના પ્રતિનિધિઓએ પણ પુષ્પાંજલિ આપી હતી.
પાટણ નજીક આવેલા રાજપુર ગામમાં પણ ગ્રામજનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ રીતે સમગ્ર પાટણ જિલ્લામાં ગાંધી જયંતિ ભાવભર્યું વાતાવરણ સર્જી ઉજવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ